|
નિવેદન ------------------------
'સાવિત્રી' એટલે શ્રી અરવિન્દની કાવ્યમયી ભાગવત વાણી. 'સાવિત્રી' છે માનવ આત્માની પરમાત્મા પ્રતિની ને પરમાત્માની માનવ આત્મા પ્રતિની સનાતન યાત્રાનું, કાલને એકલતાનું વરદાન આપતું, વિભુને વૈભવે ભરી વૈખરીમાં અપૂર્વ આલેખન. ઉર્ધ્વમાં ઉર્દ્વથી તે નીમ્નમાં નિમ્ન સુધી પ્રભુનું પ્રકટીકરણ, અને સ્થૂલ-સૂક્ષ્મ સર્વમાં એકાકારતા પામેલો સચ્ચિદાનંદનો જે અમર આવિર્ભાવ જગતનું અને જગતના જીવોનું પરમોચ્ય લક્ષ્ય છે અને ધરણિનું ધુરંધર ધ્યેય છે તે લક્ષ્યની અને ધ્યેયની સિદ્ધિથી સુધન્ય બનવા સત્ય-જ્યોતિની સુવર્ણ સરણિએ કેવી રીતે આરોહણ અને અવરોહણ થાય છે, તેનું ચમત્કારી ચિત્રણ-એ છે 'સાવિત્રી'. આ મહાકાવ્યની નારાયણી નૌકામાં બેસાડીને શ્રી અરવિન્દ આપણને મૃત્યુના હૃદયમાં રહેલા અમૃતના પારાવારની મુસાફરીએ લઇ જાય છે, અને દેવોના દેવના અમૃતોનું શુભ્ર પ્રભાપાન કરવી, અજરામર જ્યોતિર્મય જીવન પૃથ્વીના પિંડને પરમોદારતાથી સમર્પે છે. શ્રી અરવિન્દનું ધન્યભાગ બનેલી અંગ્રેજી ભાષામાં લખાયેલું આ મહાકાવ્ય ઉચ્ચમાં ઉચ્ચ બુદ્ધિથી પારની ભૂમિકાઓમાંથી ઊતરી આવેલું હોઈ, ત્યાંની ચૈતન્યજ્યોતિઓમાં પ્રાપ્ત થતાં અગોચર દર્શનોનું પ્રાય: મંત્રમુલક અલૌકિક સુંદર કાવ્યકલેવર આપણને ઉપહારમાં આપે છે અને અંતરાત્માને અનનુભૂત આનંદલહરીઓના લયવાહી પ્રવાહ પર હર્ષની હીંચો લેવરાવતું ઊર્ધ્વ ચેતનામાં આલોકોમાં લઇ જાય છે, અને આત્માને ભૂતલ પારના ભાસ્કરોની ઉષાઓનાં ને દિવ્યાતિદિવ્ય દિવસોનાં દર્શન કરાવે છે. આવા આ અમર કાવ્યનો અનુવાદ કરવા બેસવું એ એક પ્રકારનું ધૃષ્ટતાભર્યું સાહસ જ કહેવાય, કેમ કે ધ્યેયની ચેતનાના જે ધવલગિરિગહ્વરેથી 'સાવિત્રી'નું કાવ્યઝરણું ગંગધારે મુક્ત થયું છે તે ચિદંબરી ચેતના હજી તો આપણે પ્રણત ભાવે પરિચય વધારી પ્રાપ્ત કરવાની છે. પરંતુ તેમ છતાં કો ગૂઢના [૧] આદેશથી ભાવવશ થઇ, શ્રદ્ધા ભરી ભક્તિનો આશ્રય લઇ, શ્રી મહાપ્રભુની સેવામાં એમની આપેલી મારી અલ્પાલ્પ કાવ્યાલેખનની શક્તિનું નૈવેધ લઇ, એમને અનું અર્પણ કરવાના સ્નેહસુલભ શુભાશયથી પ્રેરાઈ હું અનુવાદના કઠિન કાર્યમાં પ્રવૃત્ત થયો છું, અને પ્રભુ પોતાના બાળકને કેવળ બચાવી લે એટલું જ નહિ, પણ સત્ય સરસ્વતીના સાંનિધ્યનો સાથ આપી કૃતાર્થ પણ કરે એવી મારી પ્રાથના છે. કાવ્ય એટલે ભાવારસથી ભરીભાદરી છંદોમયી વાણી. કાવ્યનું પરિશીલન તથા તેમાંથી મળતો અનિર્વચનીય આનંદ એકલા ભાવરસને જ નહિ, પણ એની લયમયતા સાથે સાધેલી લીનતાનેય આભારી છે, એ સહ્રદયો ક્યાં નથી જાણતા ? એટલે આ અનુવાદમાં સળંગ વપરાયેલા છંદ વિષે પણ બે બોલ બોલવા જરૂરી જણાશે. એમ તો અહીં પ્રયોજાયેલો છંદ સર્વને સુપરિચિત અનુષ્ટુપ છંદ જ છે. વળી એ પણ સ્પષ્ટ છે કે આ વેદપુરાણા છંદમાં ગણમેળનાં તેમ જ સંખ્યા-મેળનાં લક્ષણો રહેલાં છે. 'મનહર' અને 'ઘનાક્ષ્રરી' માં હોય છે તેમ અનુષ્ટુપમાં પણ ચાર ચાર અક્ષરના સંધિઓનો ઉપયોગ થયેલો જોવામાં આવે છે, પરંતુ 'અનુષ્ટુપ'માં આ સંધિઓ અમુક અમુક અક્ષરે લધુ-ગુરુની વિશિષ્ટતા ધારણ કરે છે. આમ જો આપણે લખીએ છીએ તેમ 'અનુષ્ટુપ'ના ચરણને આવા ચાર સંધિઓનું બનેલું ગણીએ તો ચરણનો બીજો સંધિ 'લગાગાગા' નો ને ચોથો 'લગાલગા'નો બને છે. આમાંથી 'લગાગાગા'ની બાબતમાં વ્યુત્ક્રમ થઇ બીજા અનેક વિકલ્પો ઊભા થાય છે, પરંતુ 'લગાલગા'નો ચોથો સંધિ તો સર્વ સંજોગોમાં એનો એ જ રહે છે, એટલે એને 'અનુષ્ટુપ'નું સ્થાયી લક્ષણ ગણવો જોઈએ. આ વ્યુતક્રમો ને અન્યત્ર લધુ-ગુરુની પસંદગીના વૈવિધ્યને કારણે 'અનુષ્ટુપ,માં અનેક જાણીતા છંદોનો લય સમાયેલો જોવામાં આવે છે, પરંતુ અહીં તો તેનો માટે ઉલ્લેખ જ કરવો યોગ્ય હોવાથી આપણા અનુવાદોમાંથી વાચક એ આવે ત્યારે એને અપનાવી લે એવી વિજ્ઞપ્તિ કરીશું. વળી અનુવાદનો અનુષ્ટુપ રૂઢ માપમાં જ રહેલો નથી. એ કોઈ કોઈ વાર આરંભના બે સંધિઓના ચરણ રૂપે, કોઈ કોઈ વાર એવા ત્રણ સંધિ રૂપે, અંતના બે સંધિ રૂપે કે પ્રથમ સંધિ વગરના ચરણરૂપે પ્રયોજાયેલો જોવામાં આવશે. અંગ્રજી ચરણનો ભાવ વ્યક્ત કરવા માટે આ પ્રકરણની વ્યસ્તતાને સ્થાન આપવાથી અનુવાદના અનુષ્ટુપનું નામ 'વ્યસ્ત અનુષ્ટુપ' રાખેલું છે. [૨] કાવ્યના લયવાહી પાઠમાં બોલીમાં થાય છે તેવાં કે ગધમાં વંચાય છે તેવાં અર્ધ ઉચ્ચારણોને અવકાશ નથી. લધુ-ગુરુ અનુસાર કાવ્યના ચરણનો છંદને અનુસરતા સ્વરભાર કે તાલ સાથે પાઠ કરવો જરૂરી ગણાય છે. અહીં આપણ 'વ્યસ્ત અનુષ્ટુપ'માં પણ તે પ્રમાણે જ વાચક કરશે ને સંધિને અંતે અલ્પ વિશ્રામ અને બીજા તથા ચોથા સંધિ પછી 'યતિ' સ્વીકારશે. લધુ-ગુરુની છૂટ સામાન્યતઃ લેવાઈ નથી, તેથી લધુ-ગુરુ ઉચ્ચારણો યથાવત્ કરવામાં આવશે તો કાવ્યપાઠકને અખંડ લયવાહી 'અનુષ્ટુપ' મનોહર બની ગયેલો જણાશે ને મન, હૃદય તથા કાન, ત્રણેને એમાંથી તૃપ્તિ મળશે. શ્રી અરવિન્દની સમસ્ત 'સાવિત્રી'નો આ સરળ અનુવાદ છ પુસ્તકોમાં પ્રકટ કરવાના અમારા આ સાહસને જેમણે ગ્રાહકો બનીને ને આ ભગવત્સેવા-રૂપ કાર્ય માટે નાની મોટી રકમો ઉદારતાથી આપીને સહાય કરી છે તેમનો આભાર તો અંતરથી માનીશું જ, પરંતુ એવી પ્રાર્થના પણ કરીશું કે શ્રી અરવિન્દની અમોઘ કૃપા અને ભગવતી માની શુભાશિષ એમને 'સાવિત્રી'-ના હાર્દમાં પ્રવેશ કરાવો અને ત્યાં જે પરમ વસ્તુ પ્રકટ થયેલી છે તેની સાથે તદાકારતાનો આનંદ પણ વરદાનમાં આપો ! મહાગુજરાતને અમે આમંત્રણ આપીએ છીએ કે ગુજરાતના હૃદયે જેમ શ્રી અરવિન્દનાં પાવન પગલાંની વર્ષો સુધી પૂજા કરી હતી તેમ તે એમના મહાકાવ્ય 'સાવિત્રી'ને અપનાવી લઇ ચિરકાળ પોતાનું બનાવી દે અને એના પાવનકારી પ્રભાવને ગુર્જર ગિરામાં સર્વદેવ સંઘરી રાખે.
પૂજાલાલ શ્રી અરવિન્દ આશ્રમ પોંડીચેરી-૨ |